Sunday, 27 December 2015

હું બાળક થઇ આવ્યું છુ.

"પપ્પા" ... પહેલું પગલું પગદંડી પર માંડવા આવ્યું છું,
"મમ્મી" ... પહેલા પ્રેમ ની પહેલી ઉકેલવા આવ્યું છું.

લજામણી સમુ અવાક સ્પર્શ માણવા આવ્યું છું,
કળી સમી આંખો થી સ્વપ્ન નિહાળવા આવ્યું છું.

લાગણી ના હૈયા મહી ડૂબવા કાજે આવ્યું છું.
ખોળા ની હુંફ કેરો માળોરચવા આવ્યું છું.

મારા રુદન ના સુરે સંગીતમય કલરવ કરવા આવ્યું છું.
જુગલબંદી કક્કા ની કરી સરગમ રચવા આવ્યું છું.



ભણવાની, ગણવાની, સાથે છપ્પો રમવા આવ્યું છું,
શીખી શીખી ને ભૂલો માં થી, બાળક બનવા આવ્યું છું.

હૃદયથી  હૃદયનો સુંદર સંભંધ સ્થાપવા આવ્યું છું,
ખુશીના આંસુ ને દર્દ ની મિઠાશ માણવા આવ્યું છું.


અપાર સુંદરતા ને નજરબંદ લગાડવા આવ્યું છું,
હે ક્ષિતિજ સુધી ના વિશ્વ, તને બાહો માં ભરવા આવ્યું છું.

અજાયબી છે તારી રચના, તને મન ભરી ને માણવા આવ્યું છું,
રંગબેરંગી છે તું, તને ઓર રંગીન બનાવવા આવ્યું છું.



Friday, 25 December 2015

મારું એક ડગલું


એક ડગલું મેં જયારે રેશમ ના ખોડા માં મુક્યું છે,
ત્યારે પહેલી નજરે ચોસઠ તીર્થ ના દર્શન થયા છે.

એક ડગલું મેં જયારે મારા ઘોડિયા બહાર મુક્યું છે,
ત્યારે અપાર આનંદની અનુભૂતિ આપની આંખો માં મેં જોઈ છે.

એક ડગલું મેં જયારે પહેલા 'ક ખ ગ ઘ' વડે લખ્યું છે,
ત્યારે સપનાઓની હારમાળા આપનામા થનગનતી મેં જોઈ છે.

એક ડગલું મેં જયારે જીત ની રેખા પછી લીધું છે,
ત્યારે ગર્વની એ લાગણી આપની બાથમાં અનુભવી છે.

એક ડગલું મેં જયારે મારી સાઇકલ પર બેસી લીધું છે,
ત્યારે સભાળ ને વિશ્વાસ નો આધાર આપ જ છો એ શીખી લીધું છે.

એક ડગલું મેં જયારે ભૂલ કરી ખોટું ભરી લીધું છે,
ત્યારે આપના ઠપ્કાએ મારું જીવન સીધું કરી દીધું છે.

એક ડગલું મેં જયારે પિતા બની સંસાર તરફ લીધું છે,
ત્યારે તમોને આદર્શ સ્વીકારી મેં જીવન સફળ કરી લીધું છે.

એક ડગલું જયારે મારા બાળકે મારા વૃદ્ધપણ માં લીધું છે,
ત્યારે જણાયું આ બાળપણ તો મારા પળે પળ માં જીવિત છે.

આજે જીવન ના કિનારે આવી ઉભો છું,
આપનો આદર હજી એ પડઘાય છે,

ત્રણ ડગલા હજી બાકી રહ્યા જીવનના,
એક આકાશ માં, એક પાતાળ માં, અને ત્રીજું............
અનંત સુધી જતું રહ્યું............

Wednesday, 25 March 2015

અલંકાર

મને અલંકારિક અલૌકિકતા મોહિત કરી જાય છે,
જયારે સંસાર સંસ્કાર રૂપી સોગાદ આપી જાય છે.

ગુજરાતી બોલવું કંઈક આમ ગમી જાય છે,
ભાષા ને શણગારનો એમાં અલંકાર ભળી જાય છે.

ઘરે ઘરે અહીં ખુદ ઈશ્વર પ્રગટ થાય છે,
જયારે ચરણ સ્પર્શ અહીં હૃદય થકી થાય છે.

બળદ અહીં ખેડૂતોનો પ્રિય સાથી બની જાય છે,
જયારે ગાડું હંકારતા એને ઝાંઝર સંભળાય છે.

ગુજરાતી સ્ત્રીઓ અહીં પરી બની જાય છે.
જયારે સાળી - અલંકાર એને શણગારી જાય છે.

ભૂમિ આ મારી એવી અમૂલ્ય ગણાય છે,
જયારે કણે કણ હાસ્ય વડે મોતી બની જાય છે.